સમડી સંગ

એક સમડી ઉડી આકાશે
વાદળ ના દળ સાથે
તરસી આંખે શું શું જોશે?
ઘોડો દોડ્યો સંગાથે

ચક્કર ચક્કર ચક્કર ફરતી
સમ સપાટીએ સમડી વિહરતી
નદી નાળા, લીલુડી ધરતી
છાપરાં, અગાશી ઊંચેથી નિહરતી

ટપકા જેવાં ટચૂકડાં
માણસ સહુ દેખાય
આંખો માટે રમકડાં
જાતે રમવા જાય

ચૂંનું દોડે, મૂંનું રડે
મુન્ની હસતી જાય
ડાઘીયો દોડે બિલ્લી પાછળ
ચકલીઓ ઊડતી જાય

શું જોવું? શું ન જોવું
સમડીને જ સમજાય
ઘોડો નીચે દોડ્યા કરે
પણ એને ના સમજાય

સમડી અવિરત ઊડતી રહી
ચક્કર કાપતી આકાશ મહીં
અચાનક ચિલ્ઝડપ દાખવતા
ખોરાકની શોધમાં ઉતરી ગઈ

ચાંચ માં દબાવીને એક ઉંદર
કે હતો એ સાપ કે છછૂંદર
ઉડી સમડી આંખોથી દૂર
બહુ દૂર...જોજનો દૂર...

ઘોડાએ પણ મૂકી દોટ
ફાવટ ન આવી સમડી જોડ
ત્યાં ચકલીની પાખેં સાંધી ખોટ
ઊડવું છે હવે ચકલી સજોડ?



એક ઊડતી સમડી ને જોતા સ્ફુરેલું કાવ્ય

Back